કોઈ પણ દેશ કે પ્રદેશનો ઇતિહાસ એ તે પ્રદેશ માટે અનેરૂ મહત્વ ધરાવે છે. તેવી જ રીતે ગુજરાતનો ઇતિહાસ પણ અનોખુ મહત્વ ધરાવે છે.
ગુજરાતનો ઐતિહાસિક યુગો, ગુજરાતની સભ્યતાઓ, વસાહતો, ધરોહરો આ બધુ જ ગુજરાતીઓના ઘરેણા સમાન છે.
ગુજરાતની ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા તેના ઇતિહાસના પ્રશ્નો પૂછતા હોય છે અને આમ પણ એક ગુજરાતી હોવાના નાતે તેના ઇતિહાસને જાણવો એ તો એક ગુજરાતીની ફરજ બને છે!
તો દોસ્તો આવો આપણી અમૂલ્ય ધરોહાર સમો આપણો અનોખો ઇતિહાસ જાણીએ અને માણીએ!
1) ગુજરાતનો પ્રાગૈતિહાસિક યુગ :
ભારતની જેમ ગુજરાતના માનવીઓ પણ પાષાણયુગ, મધ્યપાષાણયુગ તથા નૂતનપાષાણયુગ માંથી પસાર થયા છે.
હાલના મહેસાણા જિલ્લામાં આવેલા કોટ અને પેઢામલી નામે ગામડા પાસેથી ઈ.સ. 1893 માં રોબર્ટ બ્રુશ ફૂટ નામના સંશોધકે પ્રાચીન પાષાણયુગના અવશેષો શોધી કાઢ્યા હતા.
તે સમયના લોકો શિકાર દ્વારા અને માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેવું મહેસાણા જિલ્લાના હિરપૂર અને લાંઘણજ ખાતે કરવામાં આવેલ ખોદકામથી જાણવા મળે છે.
ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનો પ્રવેશ ઈ.સ.પૂ. 2000 ની શરૂઆતમાં થયેલ હોવાનુ માનવામાં આવે છે. આ સંસ્કૃતિના ગુજરાતમાં 20 કરતા પણ વધારે સ્થાનો ગુજરાતમાંથી શોધવામા આવ્યા છે. ભરૂચ અને સુરત જિલ્લાઓના ખોદકામ પરથી જાણવા મળે છે કે સિંધુ સંસ્કૃતિ દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરાયેલ હતી.
માનવીએ લખતા શીખીને પોતાનું એક સૌથી મહત્વનુ લક્ષ્ય હાંસિલ કર્યુ. લખાણથી જ માનવી પોતાની કળા, સંસ્કૃતિ, બૌદ્ધિક સિદ્ધિઓ વગેરે પોતાની આવનારી પેઢીને આપી શક્યો. માનવી જ્યારે લખતા શીખ્યો તે પહેલાના કાળને ' પ્રાગ ઐતિહાસિક યુગ ' તરીકે ઓળખવામાં આવે છે.
2) આદ્ય ઐતિહાસિક યુગ :
ઈતિહાસના વિશિષ્ટ કાળ તરીકે ' આદ્ય ઐતિહાસિક યુગ ' ઓળખવામાં આવે છે.
માનવી સૌપ્રથમ પથ્થરમાંથી બનાવેલા ઓજારનો ઉપયોગ કરતો હતો, પરંતુ સમય જતાં તેને પથ્થર સિવાયના ધાતુઓની પણ જાણકારી મળી અને ત્યારબાદ તેના ઉપયોગની સૂઝ પણ માનવીમાં વિકસિત થઈ.
માનવીને સૌથી વધુ પ્રમાણમાં તાંબુ ઉપલબ્ધ થયું. ત્યારબાદ સોનું, ચાંદી અને લોખંડ પણ ઉપયોગમાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું લોથલ આ જ કાળનું મહત્વનુ સ્થળ છે. લોથલ આ કાળનું એક ધીકતું બંદર હતું અને ખોદકામ દરમિયાન વહાણ લંગારવા માટેનો ધક્કો (ડોકયાર્ડ) પણ મળી આવેલ છે.
લોથલમાં સૌપ્રથમ ખોદકામ ઈ.સ. 1954 માં એસ.આર.રાવ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહાન ઈતિહાસવેતા અને ખગોળશાસ્ત્રી ટોલોમીના ગ્રંથમાં ગુજરાતના ભરૂચ (બોટીગાઝા), કામરેજ (કામને), પોરબંદર (બોડેકિસમાં), નવસારી (નવસારીકા) જેવા બંદરોનો ઉલ્લેખ મળી આવે છે.
ગુજરાતની પ્રાચીન પ્રજા પણ વહેપાર ક્ષેત્રે આગળ હતી તેના પુરાવા ગુજરાતમાંથી મળી આવેલ રોમન સિક્કા પરથી મળે છે.
3) ગુજરાતમાં હડપ્પીય સભ્યતાની અગત્યની વસાહતો :
હડપ્પીય સભ્યતાની સૌથી વધુ વસાહતો ગુજરાતમાંથી મળી આવેલ છે.
ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો ઈ.સ. 1931 માં હાલના સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ગામ પાસેથી મળી આવ્યા હતા.
ગુજરાતમાંથી હાથ લાગેલ અન્ય મહત્વની વસાહતોને જાણવાનો પ્રયાસ કરીએ.
4) લોથલ :
લોથલનો શાબ્દિક અર્થ ' મરેલાઓનો ટેકરો ' અથવા ' લાશોનો ઢગલો ' થાય છે.
લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ખંભાતના અખાતની નજીક આવેલ છે.
લોથલ હડપ્પીય સભ્યતાનું એક ધીકતું બંદર હતું અને ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વેપારીઓનું મહત્વનુ વેપારી કેન્દ્ર હતું. તેમાંથી જહાજ લંગારવા માટેનો ધક્કો (ડોકયાર્ડ) મળી આવેલ છે.
લોથલનું સૌપ્રથમ ખોદકામ ઈ.સ. 1954 માં એસ.આર.રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. લોથલ એ હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું સ્થળ હતું. લોથલ કુલ પાંચ ભાગમાં વહેચાયેલું હતું.
લોથલમાંથી મળી આવેલ ડોકયાર્ડ 710 ફૂટ લંબાઈ તથા 120 ફૂટ પહોળાઈ ધરાવે છે. લોથલનું સ્થાન ભોગાવો અને સાબરમતી નદીના પ્રદેશ વચ્ચે છે.
લોથલની નગરરચના પણ અદભુત જોવા મળે છે. તેના રસ્તાઓ એકસાથે બે વાહનો સામસામે પસાર થઈ શકે તેટલા પહોળા અને એકબીજાને કાટખૂણે મળતા હતા. મકાનોમાં કૂવાની પણ સગવડ હતી.
લોથલ અમદાવાદથી 80 કિ.મી. અને ખંભાતના અખાતથી 18 કિ.મી. દુર છે.
લોથલમાંથી માટીના રમકડા અને ધાતુના વાસણો પર ચિત્રકામ જોવા મળે છે. ઘોડાનું ટેરાકોટા (પકવેલી માટી) નું રમકડું પણ મળેલ છે. તથા શતરંજ નું બોર્ડ પણ મળેલ છે.
અનાજ દળવાની ઘંટી સૌપ્રથમ લોથલમાંથી મળી આવેલ છે. અહીંના લોકો પશુપ્રેમી હતા તેવું એક શિંગડાવાળા બળદની આકૃતિ પરથી કહી શકાય છે. લોથલમાં શબને દાટવાનો રિવાજ હતો.
ભારતમાં પ્રાચીન સમયમાં પણ વૈદ્યકીય ક્ષેત્રે પ્રગતી હતી તેવું બાળકની ખોપરીમાંથી મળી આવેલા છિદ્રમાંથી જાણવા મળે છે.
5) ધોળાવીરા :
ધોળાવીરા સિંધુખીણ સંસ્કૃતિનું એક વિશાળ નગર હતું.
ધોળાવીરાનું ખોદકામ ઈ.સ. 1990 - 91 દરમિયાન ડૉ. એસ.આર. બિસ્ટની રેખદેખ હેઠળ કરવામાં આવ્યું. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે.
ધોળાવીરામાંથી ત્રિસ્તરીય નગરઆયોજન જોવા મળે છે. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસનું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસનું નીચલું નગર.
ધોળાવીરા નગરના મધ્ય ભાગમાં રાજમહેલ આવેલો છે. ધોળાવીરામાં કૃત્રિમ રીતે ડેમ બનાવવામાં આવેલો છે. ત્યાંથી 10 અક્ષરોનો એક શિલાલેખ મળી આવેલ છે. જેને આજ - દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
6) રંગપુર :
રંગપુર ગુજરાતમાં શોધાયેલુ સૌપ્રથમ હડપ્પીયન સ્થળ હતું. જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારા પરની એક નાની વસાહત છે.
રંગપુરનું ખોદકામ ઈ.સ. 1931 માં ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી ડૉ. એસ.આર.રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
રંગપુરમાંથી ચર્ટની પતરીઓ, તોલાં, મણકા, તાંબાની બંગડીઓ તથા વીંટીઓ મળી આવેલ છે. રંગપુરમાંથી કાંચી ઈંટોનો બનેલો કિલ્લો મળી આવેલ છે. હાથીદાંતની વિવિધ વસ્તુઓ પણ મળી આવેલ છે. રંગપુરના પ્રત્યેક મકાનને ઈંટોની ફરસ બાંધીવાળો સ્નાનાખંડ હતો.
7) રોજડી :
રોજડી રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે ભાદર નદીના કિનારે આવેલ છે. અહી ખોદકામ દરમિયાન એક અકીકનું અને બે ચર્ટના તોલા મળી આવ્યા છે.
રોજડીમાંથી ચપટીવાળી અને ઊંચી ડોકવાળી બરણીના નમૂના મળી આવ્યા છે.
8) દેસલપુર :
દેસલપુર કચ્છના નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કાંઠે આવેલ હોવાનું માનવામાં આવે છે.
અહી નદીકાંઠા ઉપર પૂરને રોકવા માટે પથ્થરની જાડી દીવાલ બંધાઈ હતી.
દેસલપુર એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું કારણ કે અહીથી સિંધુ તોલા, મુદ્રાઓ અને મુદ્રાંક પણ મળી આવેલ છે.
આ વિકસિત નગરનો નાશ પૂરના કારણે થયો હોવાનું મનાય છે.
9) પ્રાચીનકાળ :
ગુજરાતના આદ્ય - ઈતિહાસની માહિતી પુરાતત્વીય અવશેષો તથા પૌરાણિક અનુશ્રુતીઓ પરથી મળી આવે છે.
પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિનો રાજવંશ ગુજરાતમાં સત્તારૂઢ હતો. શર્યાતિને આનર્ત નામે પુત્ર હતો. એવું માનવામાં આવે છે કે શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશનું નામ ' આનર્ત ' પડ્યું હશે. તેમની રાજધાની કુશસ્થળી હતી.
આનર્તના વંશમાં રેવ કે રૈવત નામે રાજા થયા જેના નામ પરથી ગિરનારને રૈવતક નામે ઓળખવામાં આવતો. રૈવત કકુદમીની પૂત્રી રેવતી વાસુદેવ - પુત્ર બલરામને પરણાવવામાં આવી.
આ વેરાન કુશસ્થળીનું નવનિર્માણ યાદવો દ્વારા કરવામાં આવ્યું જે દ્વારવતી કે દ્વારકા નગરી તરીકે ઓળખાઈ.
ભૃગુકચ્છ (હાલનું ભરૂચ) ના ચ્યવન પુત્ર દધીચિ સાબરમતી નદીના કિનારે વસતા હતા. તેમણે અસુરોના નાશ માટે પોતાના અસ્થિનું દાન આપ્યું હતું.
જૈન અનુશ્રુતીઓ પ્રમાણે યાદવકૂળના સમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર ઉર્ફે અરિષ્ટનેમિના વિવાહ ઉગ્રસેનની પુત્રી રાજમત્તી સાથે નક્કી થયા. નેમિકુમારની જાન લગ્નમંડપે પહોંચી ત્યારે ત્યાં માંસના ભોજન માટે બાંધેલા પશુઓનાં આર્તનાદ સાંભળી તેઓ વૈરાગ્ય પામ્યા અને રૈવતક પર્વત પર જઈ દીક્ષા ગ્રહણ કરી.
ઈ.સ. પૂર્વે 14 મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવ સત્તા સર્વોપરી હતી.
ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. જૈન અનુશ્રુતીઓ પ્રમાણે તે પહેલા ગુજરાતમાં સંવતિપાલક અને મગધના નંદવંશના રાજાઓનું શાશન પ્રવર્તતું હોવાનું જણાવે છે. પરંતુ તેના કોઈ ઝાઝા ઐતિહાસિક પુરાવાઓ મળતા નથી.
